જગતનો તાત આત્મહત્યાને રસ્તે

જગતનો તાત આત્મહત્યાને રસ્તે (વૈષમપાયણ મુનિ એણી પેર બોલ્યા)untitled

વર્ષો જૂની આદત એટલે સ્વર્ગવાસી મહારાજા જનમેજય, સ્વર્ગવાસી મુનિ વૈષમપાયણનાં આશ્રમમાં રાબેતામુજબ પ્રાતઃકાળે પહોચી ગયા અને વંદન કરી આજે મુનિ કઈ કથા સંભળાવશે તેની રાહ જોવા લાગ્યા.
વૈષમપાયણ મુનિને પણ ખબર કે આ રાજા જનમેજયને મારી કથા સાંભળ્યા વગર સવારની ચા ગળે નહિ ઉતરે. એટલે મહામન વ્યાસજીની જેમ કશી ઔપચારિકતા, અરે મિત્રો ફોર્માલીટી દાખવ્યા વગર મુનિએ ત્વરિત કથા શરુ કરી જ દીધી.
હે રાજન ! જંબુદ્વિપમાં આજકાલ પ્રણોબ મુખોર્ય નામના રાજા ફક્ત નામનું રાજ કરી રહ્યા છે. ખરું રાજ તો એમના મહાઅમાત્ય મહામહિષી મહેન્દ્ર મુખી કરી રહ્યા છે. આમ તો આ મહેન્દ્ર મુખી જંબુદ્વિપનાં એક ગુજરાત નામના પ્રાંતનો સૂબો એટલે કે વહીવટદાર માત્ર હતો પણ બોલવામાં બહુ હોશિયાર અને કાવાદાવામાં માહેર એટલે એના ગુરુજીના પગ કાપી આખા જંબુદ્વિપનો મહાઅમાત્ય બની બેઠો. આમેય જંબુદ્વિપમાં ક્ષત્રિય રાજાઓનો સૂર્ય સદંતર આથમી ચૂક્યો છે. હવે ત્યાં જનપદ નામની વ્યવસ્થા ચાલી રહી છે. એટલે જેની જિહ્વા કાબેલ હોય તેવાં લોકો મત મેળવી રાજગાદી પર આવી શકતા હોય છે ભલે એમના બાપદાદાઓએ સાત શું હજાર પેઢીએ પણ દેશ માટે માભોમ માટે એક ટીપું પણ લોહી વહાવ્યું ના હોય. લોહી જોઈ ચક્કર આવે અને ગબડી પડે તેવી પ્રજાતિઓ હવે ત્યાં રાજ કરતી થઈ ગઈ છે.
ખેર આ મહેન્દ્ર મુખીની વાત પછી કરીશું, આજે મારે તને હે રાજન મોહમયી નગરીમાં રહેતા પોતાની જાતને મહાન માનતા પત્રકાર વૈશ્યની  કથા કહેવી છે, જેનું નામ રૌરભ છે. એટલું બોલી મુનિ જરા શ્વાસ લેવા રોકાયા.
રાજા જનમેજય પણ ગભરાઈ ગયો કે રૌરભ તો રૌરવ નરકને ભળતું નામ છે અને મુનિ કેમ આજે કોઈ વ્યક્તિને આવા ભળતા નામ આપે છે?
મુનિ તો મનોવિજ્ઞાની હતા રાજાની વ્યથા સમજી ગયા.
મુનિ  બોલ્યા હે રાજન ! ‘ગભરાઈશ નહિ આમ તો તે વણિકનું નામ સુગંધને લગતું છે પણ એની વાતોમાં, એના લખાણમાં મને કાગડાની વિષ્ટાની દુર્ગંધ જણાય છે માટે એનું નામ મેં રૌરભ કહ્યું તને.’
જનમેજય રાજા બોલ્યા ‘હે મહામુની આજે આ છાપામાં લખતા આ ક્ષુદ્ર જંતુની વાત શું કામ માંડી?’
હે રાજન ! ‘એનું કારણ એ છે કે આ પત્રકાર-લેખન જગતના ક્ષુદ્ર જન્તુએ જગતના તાતની અવહેલના કરી છે. એની મહાઅમાત્ય મહેન્દ્ર મુખી પ્રત્યેની અંધ ભક્તિએ આજે તમામ સીમાઓ વટાવી દીધી છે. આજે તેણે જમ્બુદ્વિપના મુખ્ય ન્યાયાધીશની પણ અવહેલના કરી છે. મુખ્ય ન્યાયાધીશ કોઈ વાત કરતા લાગણીશીલ બની રડ્યા તો એ બુદ્ધિજીવી જજના વહેલા આંસુઓની એ ગદર્ભે મજાક કરી. એ પોતાને ન્યાયાધીશો કરતા પણ એક ડગલું ઉપર સમજે છે. આ ગદર્ભ શાહે બાપ જીંદગીમાં ખેતર જોયું નહિ હોય. અડધી રાતે પાણી વાળવા ખેતરમાં ગયો નહિ હોય. ઘઉંના ખેતરમાં રાતે અંધારામાં એક પાળિયામાંથી મોટીમસ નીકમાંથી બીજા પાળિયામાં પાણી કેમ વાળવું તે એને ખબર નહિ હોય. કમરના મણકા તૂટી જાય એટલી ઝડપે પાવડામાં ભીની માટી ઉલેચવી પડે તે આ ગદર્ભને ખબર નહિ હોય. ખભે ફાંટયુ વાળી બરડા પાછળ સાહિત્યના સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતના ગૌરવ શ્રી રઘુવીર ચૌધરીની જેમ એરંડાની માળો ભેગી નહિ કરી હોય. કચરા શંકરજી ની જેમ એક હાથે ગાજરનું પળુલ પકડી એક હાથમાં ટૂંકા હાથાવાળી કોદાળીથી વાંકી કેડે ગાજર નહિ ગોડ્યા હોય. ૧૫ લીટર પાણી સાથે દવા મેળવી ખભે પંપ ભરાવી બેચાર વીઘાં કપાસમાં દવા છાંટી નહિ હોય. ખેર આવું તો ઘણું બધું છે જે એણે કર્યું તો નહિ હોય પણ જોયું નહિ હોય અને વિચાર્યું પણ નહિ હોય. એ ખરોત્તમને ખબર નથી કે ભારત એ અમેરિકા કે ઇઝરાયેલ નથી, હજુ તેવા વિકસિત દેશોની જેમ ખેતી કરવી અશક્ય છે, અને આજ સુધીની તમામ સરકારો ખેતી કે ખેડૂતો તરફી નહિ પણ લુચ્ચા ઉદ્યોગપતિઓ તરફી જ આવી છે.
રાજા જનમેજય બોલ્યા, ‘ જવા દો મહામુની આવા જંતુઓ જમ્બુદ્વિપમાં અતિશય છે. બની બેઠેલાં લેખકો વગર અનુભવે દીધે રાખતા હોય છે.’
‘અરે ! રઘુવીર ચૌધરી જેવા જ્ઞાનપીઠ વિજેતા ખેડૂતના દીકરા લેખક ખેડૂતોને ઠપકો આપે તો વાજબી કહેવાય પણ જેણે જિંદગીમાં ખેતર સુદ્ધાં જોયું ના હોય તેવા મહિષી ખેડૂતોને ઉપદેશ આપે તો ગુસ્સો ના આવે તો શું આવે? ૧૯૯૫ થી આજ સુધીમાં આશરે ૩ લાખ ખેડૂતોએ ભારતમાં આપઘાત કર્યા છે. આપઘાત કોણ કરે ? કોઈને શોખ થતો હશે આપઘાત કરવાનો? આ ડફોળ લેખકે ગમે તેટલા પુસ્તકો લખ્યાં હોય, લેખો લખ્યાં હોય એનાથી એ કોઈ સર્વજ્ઞ તો થઈ જતો નથી.’ મુનિ બોલ્યા.
હવે રાજા જનમેજય બોલ્યા, ‘મુનિશ્રી આપે કહ્યું તેમ ૧૯૯૫ થી આજ સુધીમાં આશરે ૩ લાખ ખેડૂતોએ આપઘાત કર્યા તેવો સરકારી ક્રાઈમ બ્રાન્ચનો રીપોર્ટ છે. એનો મતલબ એ થાય કે મહેન્દ્ર મુખીની જ સરકારમાં આપઘાત થયા છે તેવું તો છે નહિ. કારણ મહેન્દ્ર મુખી તો હમણાં વરસ દાડે થી જ સરકારમાં આવ્યા છે. મતલબ અગાઉની સરકારોએ પણ ખેડૂતોને રાહત થાય ફાયદો થાય તેવી નીતિઓ અપનાવી નથી.’
મુનિશ્રી જવાબમાં બોલ્યા મારું એજ કહેવું છે. બીજી સરકારોના સમયમાં આપઘાત થતા જ હતા ત્યારે આ મૂરખ કશું લખતો નહોતો પણ આ વરસના આપઘાતના આંકડા આવ્યા એટલે એણે તરત મહેન્દ્ર મુખીની સરકાર સામે જોખમ લાગવા માંડ્યું અને આ પાકા ભગતે તરત જે પાંચ સાત હજાર ખેડૂતોએ આપઘાત કર્યા હશે તેની મજાક ઉડાડતા લેખ લખી નાખ્યો.
રાજન જનમેજયને લાગ્યું આજે વૈષમપાયણ મુનિ ગુસ્સામાં છે બહુ બેસી રહેવામાં સાર નથી. એના કરતા કોઈ બહાનું કાઢી છટકી જવું સારું. એટલે રાજા જનમેજયે ખીસામાંથી આઈફોન કાઢી થોડીવાર ફંફોસ્યો અને મુનિને કહ્યું મહારાજ એક જરૂરી ટેક્ષ્ટ મેસેજ આવ્યો છે મારે ત્વરિત પહોચવું પડશે કહી મુનિની રજા લઇ રાજન તરત રવાના થઈ ગયા.
પણ જતા જતા રસ્તામાં વિચારતા હતા કે મહામુનિ વૈષમપાયણની વાત તો સાલી સાચી ને તર્કબદ્ધ છે.    

Comments

Popular posts from this blog

Narsinh Mehta

ભારતમાતા